ગોઝારો અકસ્માત : રોંગ સાઈડ પર આવેલી કારે એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો
રોંગ સાઇડે આવેલી કાર પરિવાર માટે બની કાળ
ડીસાના માણેકપુરા ગામે રહેતા વેરસીજી વરસંગજી ઠાકોર કાંકરેજ તાલુકાના રૂની ગામે ભાગિયા તરીકે કામ કરે છે. તેઓ કામ પતાવીને ગત રોજ રૂની જવા માટે બાઇક લઇને પત્ની અને પુત્રી સાથે જઇ રહ્યા હતા. ત્યારે વડા ગામ નજીક આવતા થરા તરફથી રોંગ સાઈડમાં આવતી સ્વિફ્ટ કાર નં(Gj-01-RU-9506)ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.કારની ટક્કર લાગતાં ઘટનાસ્થળે જ ત્રણેય સભ્યોનું દુખદ નિધન થાય હતું.

200 મીટર સુધી મૃતદેહ ઢસડાયા
રોંગ સાઇડે આવેલી સ્વિફ્ટ કારે ટક્કર મારતાં 30 વર્ષીય વેરસીજી ઠાકોર, તેમનાં પત્ની ભાનુબેન ઠાકોર અને 6 વર્ષીય પુત્રી રાજલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 200 મીટર જેટલા મૃતદેહો ઢસડાયા હતા. અકસ્માતની જાણ થરા પોલીસને થતાં મૃતદેહોને પીએમ માટે ખસેડીને મૃતકના પરિવારને જાણ કરતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પોલીસે કારચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારમાં બે બાળક નોધારાં બન્યાં
અકસ્માતમાં મૃત્યુ પામનારાં દંપતીને કુલ ત્રણ સંતાન છે. બે દીકરી અને એક દીકરો, જેમાં રાજલનું અકસ્માતમાં મોત થતાં હવે એક ભાઈ અને એક બહેને પોતાનાં માતા-પિતા અને એક બહેન ગુમાવતાં નોધારાં બન્યાં છે.
કાંકરેજ તાલુકામાં ટ્રાફિકના નિયમોના નામે મીંડું
છેલ્લા ઘણા સમયથી કાંકરેજ તાલુકામાં અકસ્માતના કિસ્સાઓ બહાર આવી રહયા છે. જેને લઈને તાલુકા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. થોડાક મહિનાઓ પહેલા જ આ જ રીતે NH 27 પર કાંકરેજ તાલુકાનાં રાણકપુર ગામ પાસે ઊણ ગામના ત્રણ આશાસ્પદ યુવાનોનું અકસ્માતમાં મોત થયા હતા.
કાંકરેજ તાલુકાનાં ધારાસભ્ય અમરતજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

કાંકરેજ તાલુકાનાં ધારાસભ્ય અમરતજી ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી અકસ્માતનો ભોગ બનનાર પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય પૂરી પાડવા ભલામણ કરી હતી. ધારાસભ્યે પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આર્થિક સહાય પૂરી પાડવા પત્ર લખીને ભલામણ કરી હતી.