જયરાજ નહીં, યોગરાજ છે આ ગુજરાતી…. એક અનોખા ગુજરાતીની કથા

આ લેખ પ્રખ્યાત કટાર લેખક અને પત્રકાર અંકિત દેસાઇ દ્વારા લખવામાં આવેલ છે

જયરાજ નહીં, યોગરાજ છે આ ગુજરાતી

ઈન્સ્ટાગ્રામ પર પાછલા દસેક મહિનાઓથી હું એક મજાના પ્રોફાઈલને ફૉલો કરી રહ્યો છું. પ્રોફાઈલનું નામ છે યોગસૂત્રધાર. જોકે શરૂઆતમાં મને ખબર નહોતી કે હિમાલયની પહાડીઓમાં યોગ કરી રહેલા આ યોગસૂત્રધાર ગુજરાતી છે. એ તો પ્રોફાઈલ સરખું વિઝીટ કર્યું ત્યારે ખબર પડી કે યોગસૂત્રધારનું મૂળ નામ તો જયરાજ જાડેજા છે! પછી તો પરિચય વધવા માંડ્યો અને હું જેમજેમ એમની પોસ્ટ ફૉલો કરતો એમ મનમાં ગાંઠ વાળતો ગયેલો એક દિવસ જયરાજભાઈ પર કશુંક મજાનું લખવું છે. કારણ કે જયરાજભાઈ જેવું જીવન જીવે છે કે જે રીતે યોગાસનો કરે છે કે જે રીતે તેઓ પ્રવાસો કરે છે એ કોઈને પણ ગમી જાય એવું, પ્રેરણા આપે એવું છે. મને પોતાનેય ખૂબ ગમતો યોગ પ્રત્યેનો તેમનો લગાવ. અને અહીં એ ખાસ કબૂલ પણ કરીશ કે પાછલા મહિનાઓમાં હું નિયમિત પ્રણાયામ કરતો થયો છું એ માત્ર જયરાજભાઈની પ્રેરણાને કારણે જ શક્ય બન્યું છે.

આ જયરાજભાઈ આમ તો દરબાર છે, પરંતુ તેમનો જન્મ અને ઉછેર દક્ષિણ ગુજરાતના ગણદેવીમાં થયો છે. તેઓ વર્ષ ૨૦૧૬ સુધી આપણામાંના મોટાભાગના જીવીએ એવું સામાન્ય લક્ષ્યો માટે, સામાન્ય જીવન જીવતા હતા. હોસ્ટેલમાં રહીને સિવિલ એન્જિનિયરિંગમાં તેમણે ડિપ્લોમા કરેલું અને પછી ક્યાંય કોઈક કંપનીમાં જોડાઈ ગયેલા. અલબત્ત, બાળપણમાં માતા-પિતા દ્વારા સત્યસાંઈ સેવા સમીતિ દ્વારા થતાં બાળવિકાસના કાર્યક્રમોમાં જોતરવામાં આવેલા, જેને કારણે વૈચારિક તાલીમ મળેલી અને ધર્મ- અધ્યાત્મનો થોડોઘણો સ્પર્શ મળેલો. પરંતુ કૉલેજ અને પછીના વર્ષોમાં તો તેઓ લગભગ નાસ્તિક થઈ ગયેલા. જીવન તેના રૂટિનમાં ચાલતું હતું. દર મહિને અમુક કમાવાનું અને દર અઠવાડિયે અમુક ખરચવાનું! વર્ષમાં એકાદ ટ્રીપ થાય તો થાય, અને બાકીના દિવસોમાં મનોરંજન એટલે ફિલ્મો જોવી, મોલ્સમાં જવું કે શોપિંગ કરવું!

પણ વર્ષ ૨૦૧૬માં કોણ જાણે શું યોગ બન્યા તે તેઓ સીધા હિમાલય પહોંચ્યા અને ત્યાં તેમણે વિપશ્યના સાધના કરી. જોકે આ સાધના તરફ તેમને દોરી જનારા ઓશો હતા, જેમને જયરાજભાઈએ તેમની નોકરીના શરૂઆતના વર્ષોથી સાંભળવાનું શરૂ કર્યું હતું અને ઓશોએ તેમને અનેક રીતે પ્રભાવિત કર્યા હતા. અને વર્ષ ૨૦૧૬ પહેલાં જયરાજે અનેક વિપશ્યના પણ કરી હતી. પણ આ વખતની વિપશ્યના ધર્મશાલામાં હતી અને હિમાલયનો એ માહોલ જ એવો હતો કે શું એ ખબર નહીં, પરંતુ વર્ષ ૨૦૧૬ની વિપશ્યના જયરાજ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તેઓ કહે છે કે, ‘વિપશ્યનાના એ દસ દિવસો દરમિયાન જાણે મારા હાથમાં કશું હતું જ નથી. મારું જીવન કોઈ બીજા જ ફોર્સથી ચાલી રહ્યું હતું અને હું દસ દિવસની જગ્યાએ બે મહિના સુધી હિમાલયમાં રોકાઈ ગયો.’

જોકે જયરાજભાઈ એ બે મહિના દરમિયાન કંઈ ધર્મશાલામાં જ નહોતા રહ્યાં, પરંતુ કોઈ પણ આયોજન વિના મનાલી અને લદ્દાખ જેવા અનેક વિસ્તારોમાં હિમાલય ખૂંદતા રહ્યા. પૂરતી તૈયારી વિના ખરે શિયાળે તેમણે મનાલીથી લદ્દાખની યાત્રા ટ્રકમાં કઈ રીતે કરી હતી એ તો બીજા લેખનો વિષય છે. વળી, સમયાંતરે તેમણે હિમાલયની અન્ય યાત્રાઓ પણ કરી. પરંતુ આજે તો આપણે માત્ર યોગ વિશે જ વાત કરવી છે!

યોગ પણ કંઈ તેમના જીવનમાં વર્ષોથી નથી. અબલત્ત, યોગને તેઓ જૂદા જૂદા સ્તરે ડિફાઈન કરે છે. એટલે અહીં આપણે ફિઝિકલ પ્રેક્ટિસ અથવા જેને આપણે આપણે આસનો કહીએ છીએ એની જ વાત કરીએ. એ યોગ તેમના જીવનમાં પાછલા દોઢેક વર્ષોથી આવ્યું. એની પાછળની રસપ્રદ વાત શેર કરતા જયરાજ કહે છે કે, ‘હું ઘરથી બહાર નીકળ્યો, ચીલાચાલુ જીવન પદ્ધતિમાંથી બહાર નીકળ્યો અને મારી શરતે જીવવા માંડ્યો પછી ય મને એવું લાગવા માંડ્યું કે જીવનમાં કશુંક ખૂટે છે. એવું નથી કે તમે તમારી શરતે જીવવા માંડો એટલે લાઈફ પરફેક્ટ જ થઈ જાય. લાઈફમાં સ્ટ્રગલ (કશુંક નવું પામતા રહેવાની ઝંખના) તો સતત ચાલું રહેવાની. એ સમયે હું મનાલી હતો અને મને જ્યારે પણ મનમાં કશીક શંકા ઊભી થાય તો હું ઋષિકેશ જતો રહું અને ઋષિકેશ જાઉં ત્યારે હું યોગ કરતો હોઉં છું. અલબત્ત, ત્યારે હું એટલા પેશનથી યોગ નહોતો કરતો, રાધર મેં યોગને એટલો એક્સપ્લોર પણ નહોતો કર્યો. પરંતુ એ વખતે મેં અનુભવ્યું કે હું જે પ્રશ્ન કે અવઢવો લઈને ઋષિકેશ આવ્યો છું, એ પ્રશ્નોનો મને જવાબ તો નથી મળ્યાં, પરંતુ મેં યોગ કર્યા એટલો વાર મારા એ પ્રશ્નો જરૂર શમી ગયા.’

એટલે એ જ સમયમાં જયરાજને આંતરિક ધક્કો લાગ્યો કે તેમણે યોગને વધુ એક્સપ્લોર કરવા જોઈએ. એટલે તેઓ આસનોની પ્રેક્ટિસ તરફ તો વળ્યા જ, પરંતુ સાથોસાથ ‘પતંજલિ યોગસૂત્ર’ પરની ઓશોની કોમેન્ટ્રી પણ સાંભળી. જેને કારણે યોગની વૈજ્ઞાનિક્તા, તેની અધ્યાત્મિક્તા તેમજ તેની વ્યવહારુતા બાબતે દાર્શનિક અભિગમ પણ કેળવાયો અને વિવિધ આસનો બાબતે ફિઝિકલ પ્રેક્ટિસનો પણ ઉઘાડ થવા માંડ્યો. ઓશોની કોમેન્ટ્રીની તેમના પર કેવી અસર થઈ એ વિશે પણ તેઓ સરસ મજાની વાત કરે છે. તેઓ કહે છે ‘ઓશોની ભાષા હંમેશાં સરળ હોય છે. ઓશો આપણને એક જ બાબત શીખવે છે કે જીવનમાં આપણે જે કંઈ કરીએ એ જાગૃત અવસ્થામાં કરવી. પણ આપણે છીએ કે દિવસનું શું, જીવનભરમાં એક એવું કામ નથી કરતા હોતા કે જેમાં આપણે સંપૂર્ણપણે જાગ્રુત હોઈએ. આપણે કોઈની સાથે ફોન પર વાત કરતા હોઈએ તો આપણા કાન એ વાત સાંભળતા હોય. આપણું મન ક્યાંક બીજે ભટકતું હોય, આપણા હાથ કશુંક બીજું કામ કરતા હોય અને આપણા પગ કોઈક બીજી જ ક્રિયાઓમાં જોતરાયેલા હોય… આપણે જાગૃત હોઈએ જ છીએ ક્યાં? ઓશોની યોગ વિશેની કોમેન્ટ્રી મેં સાંભળી તો શરૂઆતમાં જ મને ધક્કો વાગ્યો જ્યારે ઓશો કહે છે કે, ‘જીવનમાં બીજા બધા રસ્તા અજમાવી જોયા હોય તો હવે યોગ કરીએ?

… અને મને એમ લાગ્યું કે આ માણસે મારા ગાલ પર તમાચો માર્યો! કારણ કે આ માણસે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જીવનમાં જો બીજી અનેક બાબતોમાં ખૂબ અટવાયા હોઈએ અને એ બધીય બાબતો તમને વ્યર્થ લાગી હોય તો હવે યોગ કરીએ? અને જાણે મારા જીવનમાં ફરી એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને હું વાયા ઓશો, પતંજલિ સુધી પહોંચ્યો.’

જયરાજ એક બીજી પણ મજાની વાત શેર કરે છે. તેઓ કહે છે કે, ‘યોગાસનો આમ ભલે ફિઝિકલ એક્સરસાઈઝ છે, પરંતુ અતંતઃ તો યોગ પણ મેડિટેશન જ છે. અને મેડિટેશન કરવું એટલે કે આંતરિક રીતે શાંત રહેવું અને ‘હીયર એન્ડ નાઉ’ના સિદ્ધાંતે સંપૂર્ણ જાગ્રત રહીને જીવનને માણવું એ જ આપણા સૌનું અંતિમ ધ્યેય છે! જોકે આપણને સૌને ‘હીયર એન્ડ નાઉ’માં રહેવાની આદત નથી. પણ જો એ સ્થિતિને આપણે દિવસમાં થોડો સમય પણ માણી શકીએ તો આપણી અધ્યાત્મિક્તા એક જૂદા જ સ્તરે પહોંચે. મારે માટે પણ એ બાબત ડિફિકલ્ટ હતી. પરંતુ હું જેમ જેમ યોગને એક્સપ્લોર કરતો ગયો એમ હું ‘હીયર એન્ડ નાઉ’ની સ્થિતિ એન્જોય કરતો ગયો. અરે યાર, યોગ કરતા કરતા આંખોમાંથી ચોધાર આસું વહે એ ખબર છે તમને? અને આસું શેના? તો કે ગ્રેટિટ્યુડના! કે તમે એ ડિવાઈન તત્ત્વનો આભાર માનવા માંડો છે કે લાઈફમાં તમે યોગના આ એક્સપિરિયન્સમાંથી પસાર થયા!’

જયરાજભાઈ હાલમાં મૈસુર ખાતે રહીને યોગની સાધના કરી રહ્યા છે. આંકડાબાજીમાં તેમને રસ નથી, પરંતુ માત્ર દોઢ જ વર્ષના એક્સપ્લોરેશનમાં તેઓ હાલમાં અનેક પ્રકારના આસનો કરી શકે છે. હાલમાં પણ તેઓ કંઈ બીજાને શીખવવા મૈસુર નથી ગયા. પરંતુ તેમણે યોગ્યને વધુ ઊંડાણમાં શીખવો-માણવો હતો એટલે તેઓ મૈસુર પહોંચ્યા છે અને લગભગ બે મહિનાથી ત્યં કલાકો સુધી અષ્ટાંગ સાધના કરી કરી રહ્યા છે. જોકે હવે જયરાજભાઈ માટે યોગ ‘કરે છે’ એવું નહીં કહી શકાય. આ માણસ તો યોગને જીવે છે. યોગનો જ આહાર કરે છે અને યોગને જ શ્વસે છે.

પર્સનલી હું જયરાજભાઈ પાસે એક બાબત શીખ્યો છું કે યોગ એ માત્ર કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી. કે ચાલો ફાંદ વધી ને દિવસમાં અડધો કલાક યોગ કરી લીધા. કે યોગ એ કોઈ ગ્લેમ પણ નથી મેટ પર ગોઠવાઈને સરસ મજાના કપડાં પહેરીને બે-ત્રણ આસનો કર્યા એટલે પાંચ લોકોમાં કહી શકાય કે ‘હું તો એવરી ડે યોગા કરું છું.’ યોગને જેટલો સંબંધ આપણી ફિઝિકલ ફીટનેસ સાથે છે એટલો જ સંબંધ આપણી આંતરીક સ્થિરતા સાથે પણ છે. આજકાલ અત્યંત પ્રચલિત થયેલો ‘Keep Calm’ શબ્દને અને તેના બહુપરિમાણીય અર્થોને સીધો સંબંધ છે યોગ સાથે.

આખરે આજકાલ આપણું આંતરીક રીતે સમૃદ્ધ હોવું એ અત્યંત દોહ્યલું બની ગયું છે. અને આંતરિક સમૃદ્ધિ, આંતરિક સ્થિરતાનો અભાવ જ આપણી તમામ પીડાઓનું મૂળ છે. તો જયરાજભાઈ પાસે પ્રેરણા લઈને યોગને પેશન જ બનાવાય તો કેવું? અનેક અનેક સલામ છે જયરાજ જાડેજાને. તમે ગુજરાતના આધુનિક યોગપુરુષ છો. મને તો તમે પ્રેરણા આપી જ છે. યોગ દિવસની પૂર્વ સંધ્યાએ તમે બીજા અનેકોને પ્રેરણા આપશો જ….

2 thoughts on “જયરાજ નહીં, યોગરાજ છે આ ગુજરાતી…. એક અનોખા ગુજરાતીની કથા

  1. I met jeraj in bada vippsna kendra, mandvi kachchh. In around 2014, he was sitting for hours in same posture… i also follow him on insta n wats app.. truly a young yogi..

  2. 1 no aam na jevi yog sadhna me kyarey joi nathi jayraj bhai ne joi ne mane pan em thay che k hu pan rishikesh jav jayraj bhai ni bechma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *