પ્રખ્યાત લેખક અને પત્રકાર અંકિત દેસાઈની કલમે દક્ષિણ ગુજરાતની બોલી અને ડિજિટલ કન્ટેન્ટના સમન્વયને દર્શાવતો આ લેખ વાંચો…..
દક્ષિણ ગુજરાતની બોલીઓ મને અત્યંત વહાલી છે. પૂર્વના આદિવાસી પટ્ટાને બાદ કરતા આમ તાપીના દક્ષિણ તટથી છેક ઉંમરગામ સુધી નેશનલ હાઈવે અને દરિયાની વચ્ચે વસેલા લોકોની બોલીઓમાં મોટાભાગે સામ્ય છે. થોડા થોડા વિસ્તારો પછી થોડા ઘણા શબ્દો અને લહેકાનો ફરક હોય એટલું જ. એ બોલીઓ પ્રત્યે મને તો એવો આદર કે મારી ‘ટ્રેન ટેલ્સ’માં પણ ઘણી જગ્યાએ તાપી દક્ષિણ તટની અમારી બોલીઓ મેં ઝીલી છે. એવામાં અમારી બોલીમાં કશુંક મજાનું થઈ રહ્યું હોય અને એનો જાહેરમાં ઓચ્છવ ન કરું એવું થોડું બને?
એટલે જ આ બે-ત્રણ ‘પોઈરાં’ની વાત લઈને આઈવો છું, જે ‘પોઈરાં’નું કન્ટેન્ટ મને ઈન્સ્ટાગ્રામ પર મળેલું. એક દિવસ રિલ્સ સ્ક્રોલ કરતી વખતે અચાનક ‘મરઘી ચર્યા કત્તી ઉત્તી બાન્ડાઆઆઆમાં…’નો તેમનો વીડિયો જોવા મળ્યો ને આપણે હસીને બેવડ વળી ગયા. વળી, કન્ટેન્ટ અસલ દક્ષિણ ગુજરાતની બોલીમાં હતું એટલે આપણે એ કન્ટેન્ટ ક્રિએટર્સના પ્રોફાઈલ પર પણ ગયા. ત્યાં આપણે જોયું કે અહીં તો એવી અનેક રિલ્સની ભરમાર છે, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતની બોલીનો જ ઉપયોગ થયો હોય. એ રિલ્સ પણ પાણી ન્યૂઝ ફોર્મેટમાં જ હતી!
એ રિલ્સ જોતી વખતે એ ખ્યાલ આવી ગયો કે રિલ્સ ક્રિએટ કરનારા પણ નવસારી જિલ્લાના જ હોવા જોઈએ, પરંતુ સાથે એ પણ ધ્યાને ચઢ્યું કે આ ક્રિએટર્સે મનોરંજન માટે જે બીજી બાબતો જોઈએ એનું પણ ધ્યાન રાખ્યું છે. પછી એક્ટિંગ સ્કિલ્સ હોય, ટાઈમિંગ્સ હોય, પછી નાનો-મોટો પહેરવેશ હોય કે પ્રતીકાત્મક બાબતોથી અપાતો સંદેશ હોય… એ બધી બાબતોને તેઓ અત્યંત કુશળતાથી આવરી લે છે. એટલે જ આપણને આ રિલ્સ અત્યંત ગમી જાય છે અને આપણે હસીહસીને બેવડ વળી જઈએ છીએ. નહીંતર ઈન્સ્ટાગ્રામ પર તો એવા ઘણા દીઠાં, જેઓ કોઈ પણ વોઈસ પર લિપ્સિંગ કરીને કન્ટેન્ટ અપલોડ કરી દે અને છેલ્લે તેમનું લિપ્સિંગ કોઈ ન સાંભળે એટલે દ્વીઅર્થી, ગાળોવાળું કે સેમી પોર્ન કહી શકાય એ પ્રકારનું કન્ટેન્ટ પીરસવા માંડતા હોય છે!
ઈનશોર્ટ આપણે એ રિલ્સ બનાવતા છોકરાઓના ફેન થઈ ગયા. ત્યાં સુધી કે દિવસમાં ત્રણ-ચાર વખત એમની જૂદી જૂદી રિલ્સ જોઈ જ નાંખીએ. ઈન્સ્ટાગ્રામના મારા સર્ચમાં જઈએ તો પણ પહેલાં એ છોકરાઓના પ્રોફાઈલના જ નામ આવે! અને એમના અમુક ડાયલોગ તો એવા મોઢે ચઢી ગયેલા કે આખા દિવસમાં અમસ્તા જ કોઈક મિત્ર કે ઘરના સભ્યોની સામે બોલી કાઢીએ કે, ‘મરઘી ચર્યા કત્તી ઉત્તી બાન્ડાઆઆઆમાં….’
જોકે પત્રકારનું મન એટલે સાથે એમ પણ થયા કરે કે આવું મજાનું અને ઓછા રિસોર્સિસ હોવા છતાં ક્વોલિટી કહી શકાય એવું મનોરંજન આપતા આ છોકરાઓનો સંપર્ક કરવો જોઈએ. આખરે તેઓ ‘ન્યૂ એજ એન્ટરટેઈનમેન્ટ’ના માંધાતાઓ છે. અહીં તો દોસ્તની બર્થ ડે હોય તો બે કિલોમિટર લાંબી પોસ્ટ થઈ જાય છે ત્યાં ‘શોર્ટ કન્ટેન્ટ’ પીરસવું એ કંઈ ખાવાના ખેલ નહીં હોય. અહીં તો થોડી સેકન્ડ્સમાં જ ઑડિયન્સ પર પ્રભાવ ઊભો કરવાનો હોય. વળી, આ છોકરાઓ એટલે કે જય પટેલ, અકુંર પટેલ અને જયકુમાર પટેલનું જે કન્ટેન્ટ જોવા મળે છે ઈન્સ્ટાગ્રામમાં અવેલેબલ ઑડિયોનું કન્ટેન્ટ હોતું નથી. એકાદ ‘મેરા લડકા શરાબ નંઈ દારુ પીતા હૈ’ જેવી રિલને બાદ કરતા તેમની મોટાભાગની રિલ્સ એક્સક્લુઝિવ ઑડિયોવાળી અને દક્ષિણ ગુજરાતની બોલી ધરાવતી જ હોય છે.
તો થયું આ પણ સર્જકો તો ખરાં જ! તેમની પણ કેફિયત હશે. એટલે આપણે હિંમત કરીને જય પટેલને ફોન કર્યો. હું તો એ છોકરાઓથી એટલો ઈમ્પ્રેસ કે હું તેમનો ‘ફેન’, આઈ રિપીટ ‘ફેન’ છું એ જતાવવા માટે સૌથી પહેલાં તો હું તેમની રિલ્સનું કેટલુંક કન્ટેન્ટ બોલી ગયો. એ પણ ચોક્કસ લહેકામાં… ઉંચા અવાજે… પછી તેમને પૂછ્યું કે તેઓ આ રિલ્સ બનાવવા માટે તૈયારી કયા પ્રકારની કરે?
તો જય પટેલે કહ્યું, ‘પહેલાં તો અમે યુટ્યુબ પર કલાકો સુધી અને ક્યારેક દિવસો સુધી સ્થાનિક ન્યૂઝ ચેનલ્સનું રિપોર્ટિંગ અથવા રાજ્યની ન્યૂઝ ચેનલોમાં સ્થાનિક લોકોની ન્યૂઝ બાઈટ્સ શોધીએ. એટલે કે લિટરલી કલાકો સુધી અમે ન્યૂઝ અમસ્તા જ સાંભળીએ. અને પછી એમાંથી જો કોઈક ન્યૂઝ બાઈટ અમને ગમી જાય તો એને કટ કરી લઈએ. પછી એ બાઈટને કઈ સિઝ્યુએશનમાં મૂકવી છે એ વિશે વિચાર કરીએ, પછી એ મુજબના પહેરવેશનો વિચાર કરીએ અને છેલ્લે વીસ- પચ્ચીસ ટેક લઈને રિલ્સ બનાવીએ.’
‘જોકે તમે જેટલા ફની વેમાં આ રિલ્સ બતાવો છો એવી સિચ્યુએશન ખરેખર હોય છે ખરી?’ મેં જયભાઈને પૂછ્યું. તો તેઓ કહે, ‘ના જ હોય. બલ્કે ન્યૂઝ બાઈટ આપતી વખતે લોકો અત્યંત ઉશ્કેરાયેલા અથવા દુઃખી હોય. કોઈને પાણીની સમસ્યા છે તો કોઈને લાઈટ નથી આવતી તો કોઈને ગંદકીને સમસ્યા છે. પણ શું કરીએ અહીં હાસ્ય તો છે જ.’
વાત સાચી છે. કારણ કે ખરું હાસ્ય આપણી સમસ્યાઓમાં જ છે. હા, ઑડિયોમાં જેમની વાત છે એ લોકો પીડિત છે એ વાત સાચી. પણ સાથે જ એ વાત પણ એટલી જ સાચી કે એ લોકોએ સિસ્ટમની સુવિધાઓનો વિકલ્પ તરીકે સ્વીકારી છે. બાકી તો આ એ લોકો છે, જેઓ પોતાની આગવી ખુમારી અને કુનેહથી જીવન જીવી રહ્યા છે અને પોતાની સમસ્યાઓમાંથી રસ્તો કાઢી રહ્યા છે. એટલે જ તો દરેક ન્યૂઝ બાઈટમાં સમસ્યા દેખાતી હોવા છતાં એ લોકોની ખુમારી કે સમસ્યા પ્રત્યેની બેફિકરાઈ પણ છલકે છે. ક્યાંક ઓલા માસી કહે છે કે ‘હું સરકારની ચાર આનીની ઓશિયાળી નથી.’ કે પછી એક બહેન કોર્પોરેટરને ઉદ્દેશીને કહે છે કે, ‘અરે શું ધ્યાન રાખે તમારા પર…’
મેં એમની સાથે વાત કરી ત્યારે જયભાઈએ એક બીજી પણ મજાની વાત કરી. તેમણે કહ્યું કે, ‘લાઈક્સ કે ફૉલોઅર્સ માટે અમારે ગાળોનો કે દ્વીઅર્થી કન્ટેન્ટનો ઉપયોગ નથી કરવો. પછી ભલે ગમે એ થઈ જાય.’ એક રીતે જોવા જઈએ તો આ બહુ મોટી વાત કહેવાય. બાકી, હાલમાં ઈન્સ્ટાગ્રામ રિલ્સમાં આવા કન્ટેન્ટની કમી નથી. ટિકટોક પર જેમની દુકાન બંધ થયેલી બધાએ પણ ઈન્સ્ટાગ્રામમાં હાટ તો નાંખી જ છે. એટલે ભરપૂર ગાળો અને સેક્સની વાતો કન્ટેન્ટને નામે પીરસાય છે. તો કહેવાતા ઈન્ફ્યુલન્સર્સ પણ તેમના અલગોરિધમ્સ સાચવી લેવા અમુક પ્રકારનો પહેરવેશ કે અમુક બૉડીલેંગ્વેજનો સહારો લે જ છે.
એવા સમયે ઓછા રિસોર્સિસમાં પણ ક્વોલિટી સાથે સ્ટ્રગલ કરી રહેલા આ ત્રણ ક્રિએટર્સ નોખા તો ખરા જ. મારા તો ફેવરિટ પણ! જેઓ મારા પ્રદેશની બોલીમાં કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીને અમારી બોલીને ગ્લોબલ પ્લેટફોર્મ આપે છે. આ લોકોનું ઈન્સ્ટા આઈડી છે ankur_peace_ તેમજ j_be_ptl…અને તમને પણ જો એમના કન્ટેન્ટમાં મજા પડે તો જોજો. સોશિયલ મીડિયાના ડિપ્રેસિવ માહોલમાં આવું કન્ટેન્ટ તમારા ચહેરા પર હાસ્ય તો આણશે જ.
Thank you so much 🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻