જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સેનાના જવાનો સામે હત્યાના પ્રયાસ અને લૂંટના આરોપ હેઠળ કેસ નોંધાયો છે. અહેવાલો અનુસાર, મંગળવારે (28 મે) મોડી રાત્રે કુપવાડા પોલીસ સ્ટેશન પર સેનાના જવાનોએ હુમલો કર્યો હતો, જેના કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ટેરિટોરિયલ આર્મીના જવાનની પૂછપરછ કરવામાં આવતા સેનાના જવાનો ગુસ્સે થઈ ગયા અને આ ઘટનાની શરુઆત થઈ.
પાંચ પોલીસકર્મી ઘાયલ
પોલીસ ફરિયાદ મુજબ, લેફ્ટનન્ટ કર્નલ રેન્કના ત્રણ અધિકારીઓ સહિત 16 જવાનો પર હત્યાના પ્રયાસ અને લૂંટનો આરોપ છે. 28 મેના રોજ બાટપોરા ગામમાં એક ટેરિટોરિયલ આર્મીના જવાનના ઘરે દરોડા પછી, લગભગ 9:40 વાગ્યે સેનાના જવાનો પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા અને હુમલો કર્યો. આ હુમલામાં પાંચ પોલીસકર્મી ઘાયલ થયા.
ડ્રગ્સ કેસની તપાસને કારણે વિવાદ
ડ્રગ્સના કેસમાં 160 ટેરિટોરિયલ આર્મીના જવાનની પૂછપરછ દરમ્યાન સેનાના અધિકારીઓ નારાજ થઈ ગયા હતા. આ ક્રોધ એટલો વધ્યો કે મોટી સંખ્યામાં યુનિફોર્મધારી અને હથિયારધારી સૈનિકો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. આ જૂથમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા.
આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ
સેનાના જવાનો સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે. કુપવાડા ડીએસપી આ કેસની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ‘આ મામલે ઝીણવટભરી તપાસ થશે અને દોષિતોને સજા કરવામાં આવશે.’ આ મામલે સેનાનું નિવેદન પણ આવ્યું છે. શ્રીનગર સ્થિત સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘આ મામલો એટલો મોટો નથી. પોલીસકર્મીઓની મારપીટના અહેવાલો ખોટા અને ભ્રામક છે. પોલીસકર્મીઓ અને ટેરિટોરિયલ આર્મી વચ્ચે ઓપરેશન મામલે થોડો મતભેદ હતો, જે ઉકેલાઈ ગયો છે.’