પોલીસે એક ખાટલાચોરને પકડયો
૧૯૮૮ના જુલાઈ માસનો હતો એ દિવસ. ચોક્કસ શુક્રવારની સવાર હતી. શુક્રવારે પરેડનો દિવસ હોઈ આદજબ પોલીસ ઈન્સ્પેક્ટર ભટ્ટ સવારે વહેલા ઊઠી ગયા હતા, પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતો હોઈ પરેડ થઈ શકે તેમ ન હતી. ફરી આરામ નસીબ થવાને બદલે ઈન્સ. ભટ્ટે વહેલા પોલીસ સ્ટેશને જઈ પેન્ડિંગ રોજિંદી કામગીરી કરવાનું વધુ ઉચિત માન્યું. પોલીસ સ્ટેશને તેઓના રાઈટર પો. કોન્સ્ટે. અબ્દુલ હમીદ પઠાણ તથા પો. કોન્સ્ટે. રત્નાગીરી ગગાગીરી હાજર હતા.
મહેસાણા ટાઉન પો. સ્ટે. આમ તો વધુ કામગીરીવાળું પોલીસ સ્ટેશન ગણાય. સવારથી જ વિવિધ કામગીરી માટે લોકોનો પ્રવાહ શરૃ થઈ જાય, પરંતુ ધોધમાર વરસાદને લીધે આજે કોઈ મુલાકાતીઓ ન હતા. જે કારણે ઇન્સ. ભટ્ટ સારા પ્રમાણમાં દફતરી કામગીરી પૂરી કરી શક્યા. ત્યાં તો પોલીસ સ્ટેશન બહાર થોડો કોલાહલ સંભળાયો. ત્રણ-ચાર માણસો કોઈકને પકડીને પોલીસ સ્ટેશને લાવી રહ્યા હતા. પો. કો. રત્નાગીરી અને અબ્દુલ તાત્કાલિક પો. ઇન્સ્પેક્ટરના રૃમમાંથી બહર આવી આ આવનાર વ્યક્તિઓ તરફ ગયા. પો. સ્ટે.નો અન્ય સ્ટાફ પણ તે તરફ પ્રેરાયો.ઇન્સ્પેક્ટર ભટ્ટ વિચારતા હતા કે આવા ધોધમાર વરસાદમાં લોકો આ કેવા ગુનેગારને પકડી લાવ્યા હશે. કોઈ ખિસ્સાંચોર હશે કે ઘરફોડિયો કે કોઈ ખૂન કે છેડતીના કેસમાં પકડી લાવ્યા હશે.
તેમની કલ્પનાઓનો ધોધ આગળ ચાલે ત્યાં પો. સ્ટે. ઓફિસરે આવીને જણાવ્યું કે, “સાહેબ, ગરનાળા પાસેની સોસાયટીના માણસો છે અને એક ખાટલાચોરને પકડી લાવ્યા છે.”પોતાની સમક્ષ તેઓને લાવવાની સૂચના કરી ઈન્સ. ભટ્ટ વિચારમાં પડયા. “ખાટલાચોર” ? તેમની ૨૦ વર્ષ જેટલી પોલીસ ખાતાની નોકરીમાં અનેક પ્રકારના ગુનેગારો સાથે પનારો પડેલ, પણ ખાટલાચોર ગુનેગારો તો આ પ્રથમ જ હતો. ત્યાં તો પો. સ્ટે. ઓફિસર ખાટલાચોરને આવેલ વ્યક્તિઓ સાથે લઈને પો. ઈ. ભટ્ટની ઓફિસમાં દાખલ થયા.પો. ઈ. ભટ્ટે ચોર તરફ નજર કરી તો તે ૩૦-૩૨ વર્ષની ઉંમરનો એકવડા બાંધાનો હતો, દાઢી વધેલી હતી, શરીરે ફક્ત પેન્ટ પહેરેલ હતું. અને તે પણ તદ્દન પલળી ગયેલ હતું અને શરીરેથી પાણી નીતરતું હતું. સોસાયટીના લોકોએ તેને સારી પેઠે મારેલ હોવાનું પણ તેને જોતાં જ સ્પષ્ટપણે જણાતું હતું અને આમ બનવું પણ તદ્દન સ્વાભાવિક છે.
ટોળામાં ભેગા થયેલ લોકોમાં પકડાઈ જવાના કે ઓળખાઈ જવાના ડરની ગેરહાજરીમાં પોતાનામાં છુપાયેલ પાશવીવૃત્તિ બહાર આવે છે અને સંજોગોમાં સપડાયેલ અન્ય માનવીઓ તેનો શિકાર બને છે.આવનાર પૈકી એકે વાત શરૃ કરી : “સાહેબ, હું તો દરરોજ સવારે ઊઠીને કસરત કરું છું. આજે ભારે વરસાદ હતો એટલે ઘરમાં જ કસરત કરી તાજી હવા લેવા બારી પાસે ઊભો હતો ત્યાં મેં આ સાલા ચોરને જોયો. આ ભગીરથભાઈના મકાનના બારી-બારણાં બંધ હતાં અને બહાર ઓસરીમાં પડેલ ખાટલો આ ચોર ઉઠાવીને જતો હતો. હું સીધો જ દોડીને નીચે ગયો, બૂમ પાડી બીજાને ભેગા કર્યા ને આને પકડીને અમે સૌ અહીં લઈને આવ્યા છીએ. સાહેબ પોલીસને મદદ કરવી એ તો તમામ નાગરિકોની ફરજ છે એટલે કેટલાક તો મારીને, ખોખરો કરી આ ચોરને જવા દેવાની વાત કરતા હતા, પણ સાહેબ આપની સુવાસ-ર્કીિત પણ સારી છે, તેથી જ અમે તેને પકડી આપની પાસે લઈ આવ્યા છીએ.”એ યુવાનને શાબાશી આપી ઈન્સ. ભટ્ટે તેના નામ-ઠામ પૂછયાં, પણ સૌના આશ્ચર્યની વચ્ચે તે મૂંગો રહ્યો અને ઇશારાથી જણાવ્યું કે, તે મૂંગો છે. લખતાં વાંચતાં આવડે છે કે કેમ ? તેમ પૂછતાં પણ ઇશારાથી જવાબ પણ તેને નકારમાં આપ્યો. સાથે આવેલ વ્યક્તિઓ પણ તે મૂંગો હતો કે કેમ તે અંગે કાંઈ જણાવી શક્યા નહીં.
એકાંતમાં પૂછપરછ કરી વધુ વિગતો મેળવવાની જરૃરિયાત જણાતાં આવનાર વ્યક્તિઓને પો. સ્ટે. ઓફિસરના રૃમમાં બેસવાનું કહી શ્રી ભટ્ટે તેની અલાયદી પૂછપરછ શરૃ કરી.પો. ઈ. ભટ્ટે સહાનુભૂતિ દર્શાવી. શા માટે તે ખાટલો ચોરીને જતો હતો તેમ પૂછતાં ચોર બોલવા લાગ્યો. પો. ઈ.ને ખૂબ જ આશ્ચર્ય થયું. ગુસ્સો પણ આવ્યો કે, કદાચ આ ચોર રીઢો અને અઠંગ ગુનેગાર છે અને પોલીસને બેવકૂફ બનાવવાની કોશિશ કરી રહેલ છે, પણ શ્રી ભટ્ટે પોતાનું ધૈર્ય ન ગુમાવ્યું. આવી પરિસ્થિતિમાં ધૈર્ય જાળવી શાંતિથી પૂછપરછ કરતાં ખૂબ જ અગત્યની હકીકત મળી શકે તેમ હતું. કદાચ કેટલીક વણશોધાયેલ ચોરીઓ વિશેની હકીકત પણ મળી શકે, પણ એ સાથે જ એ પણ વિચાર ઇન્સ. ભટ્ટને આવ્યો કે, શું અઠંગ ગુનેગાર આવી સાવ મામૂલી કિંમતના કાથીના ખાટલાની ચોરી કરે અને તે પણ દિવસના સમયે કે જ્યારે પકડાઈ જવાની શક્યતા પૂરેપૂરી હોય.
જો કે કોયડાનો ઉકેલ પણ શ્રી ભટ્ટની સામે જ હતો અને તેમની બાહોશી સાચી હકીકત આ ગુનેગાર પાસેથી કઢાવવામાં હતી અને શ્રી ભટ્ટે વિગતવારની પૂછપરછ શરૃ કરી…. પણ જે હકીકત તેમના ધ્યાન પર આવી તે તેમને હૃદયદ્રાવક કરી મૂકે તેવી હતી. કાયદાની મર્યાદામાં રહી ફરજ બજાવનાર એક પોલીસ અધિકારીને વિસ્મયજનક પરિસ્થિતિમાં મૂકી વિચારતા કરી દે તેવી હતી.બાળકની જિંદગી બચાવવા, ખરીદવા માટે તેની પાસે પૈસા ન હતા કે આ ગરીબ લાચારને વરસતા વરસાદમાં ખાટલો ઉપયોગમાં લેવા જેટલી કોઈએ તેના પ્રત્યે ઉદારતા દાખવી. તેને કંઈ સૂઝતું ન હતું. વખતનો માર્યો પાસેની સોસાયટીમાં એક મકાનની ઓસરીમાં પડેલ ખાટલો લઈ ઘર ભણી પ્રયાણ કરતો હતો અને તે ઝડપાઈ ગયો. તે ખરેખર ચોર ન હતો. જો માણસાઈની રીતે જોવા જઈએ તો ઈ.પી.કો. કલમ-૩૭૮ની ચોરીની વ્યાખ્યા જો પળવાર વિસરાવીએ તો હતો એ સંજોગોનો શિકાર. એ ગરીબ મજૂર દેવીપૂજક કોમનો હતો અને મહેસાણામાં આવેલ સાર્વજનિક સ્કૂલની પાછળ આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. દિનરાત મજૂરી કરતો આ ગરીબ તેની તથા તેની પત્નીના પેટનો ખાડો માંડમાંડ પૂરતો હતો. આમ વહાલસોયી પત્નીના પેટની ભૂખ તો ભાગ્યે જ પૂર્ણપણે સંતોષી શકતો, પણ તેણીની માતૃત્વની ભૂખ ઝંખના તે સંતોષી શકવા જેવો સદ્ભાગી હતો. તેની પત્ની ગર્ભવતી હતી અને તેણીનો પ્રસૂતિનો સમય ખૂબ જ નજીક હતો. એક-બે દિવસમાં ગમે ત્યારે તે બાળકને જન્મ આપે તેવી સંભાવના હતી, પણ પાછલી રાતે એકાએક મુશળધાર વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં આવેલ તેના ઝૂંપડામાં બે-બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલ અને આ હાલતમાં જો તેની પત્નીની પ્રસૂતિ થાય તો બાળકને તે બચાવી શકે તેમ ન હતો.
પત્નીએ ખાટલો લાવવાનું કહ્યું. પોતાના વહાલસોયા પ્રથમ બાળકની જિંદગી બચાવવા. ખરીદવા માટે તેની પાસે પૈસા ન હતા કે આ ગરીબ લાચારને વરસતા વરસાદમાં ખાટલો ઉપયોગમાં લેવા જેટલી કોઈએ તેના પ્રત્યે ઉદારતા દાખવી. તેને કંઈ સૂઝતું ન હતું. વખતનો માર્યો આખરે કંઈ જ ધ્યાનમાં ન આવતાં પાસેની સોસાયટીમાં એક મકાનની ઓસરીમાં પડેલ ખાટલો લઈ ઘર ભણી પ્રયાણ કરતો હતો અને તે ઝડપાઈ ગયો. ઢોર માર ખાવાનો કે પકડાઈ જવા કરતાં પોતાની પત્ની તથા થનાર બાળકને તે મદદ કરવા સમર્થ ન હતો તે કારણે વધુ પીડાઈ રહ્યો હતો.ચોરી તો તેણે કરી હતી, પણ ખરેખર શું તે દંડને પાત્ર હતો ? ૧૯૬૯માં પો.સ.ઈ. તરીકે જોડાયેલ શ્રી એચ. ડી. ભટ્ટ કે જે પો.ઈ.નું પ્રમોશન મેળવી ઓક્ટોબર, ૧૯૮૭માં મહેસાણા પો. સ્ટે.માં પો. ઈ. તરીકે મૂકાયેલ હતા. તેમના જીવનમાં અગાઉ આવો પ્રસંગ આવેલ ન હતો. કાયદાની રૃએ તે આ ગુનો નોંધી તહોમતદારને પકડી આગળની કાર્યવાહી કરવા માટે બંધાયેલ હતા, પણ તેમનું દિલ તેમને તેમ કરવાની ના પાડતું હતું. પો. કો. અબ્દુલ તથા રત્નાગીરીના ચહેરાઓ પર પણ વિનવણી હતી, આ નિઃસહાયનો સહારો આપવાની બે પળ વિચારી શ્રી ભટ્ટે આ દેખીતા ચોર સાથે આવેલ સજ્જનોને બોલાવ્યા અને તમામ વિગતની જાણ કરી. તેઓ પણ ગદ્ગદ્ થઈ ગયા અને અજાણતાં આ મજલૂમ પ્રત્યે જે બેરહેમી તેઓએ દાખવેલ તે બદલ પસ્તાવો અનુભવવા લાગ્યા. જે ભાઈનો ખાટલો ચોરાયેલ તેમને ઇન્સ. શ્રી ભટ્ટને વિનંતી કરી કે, હવે તેઓ કોઈ ફરિયાદ કરવા માંગતા નથી. આ ખાટલો તો તે આ કહેવાતા ખાટલાચોરને સપ્રેમ ભેટ આપવા માંગે છે. તેટલું જ નહીં, પણ તેઓ સૌ તેની પત્નીની સૂવાવડ સારી રીતે દવાખાનામાં થાય માટે તમામ ખર્ચ પણ ઉઠાવશે.પેલા ગરીબની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં અને ધન્યતાની લાગણી અનુભવતો તે ઇન્સ. ભટ્ટ અને અન્યના પગમાં પડી ગયો.તમામ પો. સ્ટે.થી વિદાય થયા, પણ એક માનવતાનો અનેરો દીવડો જલાવીને, એવો દીવડો કે જેનો પ્રકાશ હાજર રહેલ તમામના ડગ માણસાઈની કેડીએ દોરી જવા પથદર્શક બનશે.
(લેખક ગુજરાતના પોલીસ વડા છે)